કાંઈ ખોયું નથી
કાંઈ ખોયું નથી:
તેં હજી ભાઈ, ભરપૂર ભીતર તણું
પાત્ર જોયું નથી.
વાસનાની જ તારી બધી વેદના,
ભય બતાવે તને ભૂત સૌ ભેદનાં,
તેં જ મનની હજી કાચ-બારી તણું
દ્વાર ધોયું નથી,
કાંઈ ખોયું નથી.
પૃથ્વી તો લ્હેરથી જાય તરતી નભે,
ને અલ્યા, ભાર લાગે તને કાં ખભે?
તેં જ તારું હજી આત્મનું અવનિમાં
બીજ બોયું નથી,
કાંઈ ખોયું નથી.
સૃષ્ટિ તો બેય હાથે લૂંટાવી જતી,
તેથી તો છાબ એની ન ખાલી થતી,
એ જ હારી જતું હૈયું જેણે બધે
હેત ટોયું નથી,
કાંઈ ખોયું નથી.
૧૧-૧૨-'૫૮
કોઈ ઘટમાં ગહેકે ઘેરું, મકરન્દ દવે, સમગ્ર કવિતા- ૧, ૨૮૮- ૨૮૯.